મૂળ વેદ ગ્રંથો કયા?
જ્યાં એક બાજુ આપણાં ઋષિઓએ વિવિધ વિષયોનું જ્ઞાન આપનાર અનેક વૈદિક સાહિત્યો અને ગ્રંથોનું રચના કરી છે, ત્યાં બીજી બાજુ અજ્ઞાનતાને કારણે વેદોને લઈને ઘણી મિથ્યા ધારણાઓ અને મૂંઝવણો પેદા થયેલી છે. આવી જ એક મૂંઝવણ છે કે આ બધાં વૈદિક સાહિત્યોમાં સાચા વેદ ગ્રંથો કયા? આથી આ લેખમાં આપણે પ્રમાણો સાથે આ મૂંઝવણ દુર કરવાનો પ્રયત્ન કરીશું.
વૈદિક સાહિત્યમાં મુખ્યત્વે નીચેના ગ્રંથોનો સમાવેશ થાય છે: .
૧. વેદ મંત્ર સંહિતાઓ – ઋગ, યજુ, સામ અને અથર્વ
૧. વેદ મંત્ર સંહિતાઓ – ઋગ, યજુ, સામ અને અથર્વ
૨. બ્રાહ્મણ ગ્રંથો – વેદ મંત્રો પર ઋષિઓ દ્વારા કરવામાં આવેલા વ્યાખ્યાન
૩. આરણ્યક ગ્રંથો
૪. ઉપનિષદો
૫. ઉપવેદો – દરેક વેદ મંત્ર સંહિતાનો એક ઉપવેદ છે
૬. દર્શન શાસ્ત્રો – વેદના દાર્શનિક તત્વોનું વિસ્તારપૂર્વક અને શંકા-સમાધાનરૂપમાં વિવિરણ
વાસ્તવમાં માત્ર વેદ મંત્ર સંહિતાઓ જ ઈશ્વરીય જ્ઞાન છે. બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, ઉપવેદો, છ દર્શન શાસ્ત્રો, ગીતા જેવા બીજા ગ્રંથો ઋષિઓ દ્વારા રચાયેલા છે. આમ વેદ મંત્ર સંહિતાઓ સિવાયના બધાં જ ગ્રંથો ઈશ્વરકૃત નહીં પરંતુ મનુષ્યકૃત છે. આથી આ ઈશ્વરકૃત ગ્રંથો જ્યાં સુધી વેદાનુકુળ હોય ત્યાં સુધી જ તેમનો સ્વીકાર કરવો જોઈએ, અન્યથા નહીં.
સંદેહ: કાત્યાયન ઋષિએ કહ્યું છે કે બ્રાહ્મણ ગ્રંથો પણ વેદ છે. તો પછી તમે આ વાતનો સ્વીકાર કેમ નથી કરતા?
૧. બ્રાહ્મણ ગ્રંથોને ઇતિહાસ, પુરાણ, કલ્પ, ગાથા અનેનારાશંસી તરીકે ઓળખવામાં આવે છે. બ્રાહ્મણ ગ્રંથો ઋષિઓએ વેદ મંત્રો ઉપર કરેલા વ્યાખ્યાન છે. બ્રાહ્મણ ગ્રંથો ઋષિઓ રચિત છે, નહીં કે ઈશ્વરકૃત.
૨. શુક્લ યજુર્વેદના કાત્યાયન પ્રતિજ્ઞા પરિશિષ્ટ સિવાયનો (ઘણાં વિદ્વાનો કાત્યાયનને આ ગ્રંથના રચયિતા નથી માનતા) બીજો કોઈપણ ગ્રંથ બ્રાહ્મણ ગ્રંથોને વેદનો ભાગ માનતો નથી.
૩. આવી જ રીતે, કૃષ્ણ યજુર્વેદનો શ્રોત સૂત્ર પણ મંત્રો અને બ્રાહ્મણોને એક જ માને છે. પરંતુ કૃષ્ણ યજુર્વેદ પોતે જ મંત્રો અને બ્રાહ્મણોનું મિશ્રણ છે. આમ, આ વિચાર માત્ર કૃષ્ણ યજુર્વેદ જેવા ગ્રંથ સુધી સીમિત રહે છે. ઠીક એવી જ રીતે કે જેમ પાણિનિ વ્યાકરણમાં “ધાતુ”નો અર્થ “શબ્દનું મૂળ” એવો થાય છે, જ્યારે પદાર્થ વિજ્ઞાનમાં “ધાતુ(metal)” અને આયુર્વેદમાં શરીરને ધારણ કરી રાખનાર મૂળ તત્વો – રસ, રક્ત, માંસ, મેદ, અસ્થી, મજ્જા, વીર્ય અને ઓજ – થાય છે. ઋગ્વેદ, શુક્લ યજુર્વેદ અને સામવેદની એક પણ શાખામાં બ્રાહ્મણ ગ્રંથોના વેદ હોવાનું એક પણ પ્રમાણ મળતું નથી.
૪. વેદોનો કોઈ ઇતિહાસ નથી. વેદો ઈશ્વરકૃત હોવાથી ઈશ્વર સમાન નિત્ય છે. વળી બ્રાહ્મણ ગ્રંથોમાં ઐતિહાસિક મનુષ્યોનું વર્ણન જોવા મળે છે, પણ વેદોમાં આમ નથી.
૫. લગભગ બધાં જ વૈદિક સાહિત્યો સ્પષ્ટપણે કહે છે કે માત્ર ઋગ, યજુ, સામ અને અથર્વ વેદ મંત્ર સંહિતાઓ જ ઈશ્વરીય જ્ઞાન છે.
ઉદાહરણ તરીકે:
વેદ:
ઋગ્વેદ ૧૦.૯૦.૩, યજુર્વેદ ૩૧.૭, અથર્વવેદ ૧૯.૬.૧૩, અથર્વવેદ ૧૦.૭.૨૦, યજુર્વેદ ૩૫.૫, અથર્વવેદ ૧.૧૦.૨૩, ઋગ્વેદ ૪.૫૮.૩, યજુર્વેદ ૧૭.૯૧(નિરુક્ત ૧૩.૬માં સમજાવ્યાં પ્રમાણે), અથર્વવેદ ૧૫.૬.૯, અથર્વવેદ ૧૫.૬.૮, અથર્વવેદ ૧૧.૭.૨૪.
ઉપનિષદ:
બૃહદારણ્યક ઉપનિષદ ૨.૪.૧૦, છાન્દોગ્ય ઉપનિષદ ૭.૧.૨, બૃહદારણ્યક ઉપનિષદ ૧.૨.૫, મુંડક ઉપનિષદ ૧.૧.૫, નૃસિંહપૂર્વતપાણિ, છાન્દોગ્ય ઉપનિષદ ૭.૭.૧, તૈત્તિરીય ૧.૧, તૈત્તિરીય ૨.૩
બૃહદારણ્યક ઉપનિષદ ૨.૪.૧૦, છાન્દોગ્ય ઉપનિષદ ૭.૧.૨, બૃહદારણ્યક ઉપનિષદ ૧.૨.૫, મુંડક ઉપનિષદ ૧.૧.૫, નૃસિંહપૂર્વતપાણિ, છાન્દોગ્ય ઉપનિષદ ૭.૭.૧, તૈત્તિરીય ૧.૧, તૈત્તિરીય ૨.૩
બ્રાહ્મણ:
શતપથ બ્રાહ્મણ ૧૧.૫.૮, ગોપથ પર્વ ૨.૧૬, ગોપથ ૧.૧.૨૯
મહાભારત:
દ્રોણ પર્વ ૫૧.૨૨, શાંતિ પર્વ ૨૩૫.૧, વન પર્વ ૧૮૭.૧૪, વન પર્વ ૨૧૫.૨૨, સભા પર્વ ૧૧.૩૧
મનુ સ્મૃતિ:
મનુ સ્મૃતિ ૧.૨૩
પુરાણ:
પદ્મ પુરાણ ૫.૨.૫૦, હરિવંશ, વિષ્ણુ પુરાણ ૧.૨૨.૮૨, વિષ્ણુ પુરાણ ૫.૧.૩૬, બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૪.૬૪
અન્ય:
મહાભાષ્ય પાશપાશણિક, કથક સંહિતા ૪૦,૭, સાયણચાર્યનું અથર્વ ભાષ્ય ૧૯.૯.૧૨, બૃહદારણ્યવાર્તિકસાર (૨.૪), સર્વાનુક્રમાણિભૂમિકા, રામાયણ ૩.૨૮
શંકરાચાર્યે પણ ચાર વેદ સંહિતાઓને જ વેદ માન્યા છે. –“ચતુવિર્ધ મંત્રજાત્:” (શંકરાચાર્યે: બૃહદારણ્યક ભાષ્ય ૨.૪.૧૦)
૬. સ્વયં બ્રાહ્મણ ગ્રંથો પણ પોતે વેદ છે એવો દાવો કરતા નથી.
૭. શતપથ બ્રાહ્મણ કહે છે કે વેદોમાં ૮.૬૪ લાખ મૂળાક્ષર છે. જો બ્રાહ્મણ ગ્રંથોની ગણના વેદોમાં થતી હોત તો આ મૂળાક્ષરોની સંખ્યા ઘણી વધારે હોત.
૮. માત્ર વેદ મંત્રો જ જટા, માલા, શિખા, રેખા, ધ્વજ, દંડ, રથ અને ધન પાઠની વિધિઓ દ્વારા સુરક્ષિત રાખવામાં આવ્યાં છે. બ્રાહ્મણ ગ્રંથોના સંરક્ષણ માટે આવો કોઈ પ્રયાસ થયો નથી.
૯. કેવળ મંત્રો માટે જ “સ્વર ભેદ અને માત્રાઓનો” ઉપયોગ કરવામાં આવે છે. બ્રાહ્મણ ગ્રંથો માટે નહીં.
૧૦. દરેક મંત્રનો પોતાનો વિશિષ્ટ ઋષિ, દેવતા, છંદ અને સ્વર છે. બ્રાહ્મણ ગ્રંથોમાં આમ નથી.
૧૧. યજું: પ્રતિશાખ્યમાં કહ્યું છે કે, મંત્રોની પહેલાં “ઓમ્” અને બ્રાહ્મણ શ્લોકોની પૂર્વ “અથ” બોલવું જોઈએ. આવું જ ઐતરેય બ્રાહ્મણમાં પણ કહ્યું છે.
૧૨. બ્રાહ્મણ ગ્રંથોમાં સ્વયં તેના લેખક વિષે લખવામાં આવ્યું છે. મંત્રોની વ્યાખ્યા કરતી વખતે ઘણાં સ્થાને કહેવામાં આવ્યું છે કે: “નત્ર તિરોહિતમિવસ્તિ” – અમે સરળ ભાગોને છોડીને માત્ર સમજવામાં કઠીન એવા ભાગોનું જ વ્યાખ્યાન કર્યું છે.
સંદેહ: જ્યારે પુરાણોનો અર્થ વેદ વ્યાસ દ્વારા રચિત ૧૮ પુરાણો સાથે છે તો પછી પુરાણોને બ્રાહ્મણ ગ્રંથો કેવી રીતે કહી શકાય?
૧. આમ સંદેહ કરવાનું કોઈ કારણ નથી. પુરાણનો અર્થ “પુરાતન” અથવા તો “જૂનું” એવો થાય છે. અને આ નવા પુરાણો તો આધુનિક સમયમાં લખવામાં આવ્યાં છે.
૨. તૈતરીય આરણ્યક ૨.૯ અને આશ્વલાયન ગૃહ્યસૂત્રમાં સ્પષ્ટ વર્ણન છે કે બ્રાહ્મણ ગ્રંથોને ઇતિહાસ, પુરાણ, કલ્પ, ગાથા અનેનારાશંસી તરીકે ઓળખવામાં આવે છે.
૩. આચાર્ય શંકરાચાર્ય પણ બૃહદારણ્યક ઉપનિષદ૨.૪.૧૦ ના ભાષ્યમાં પણ આમ જ કહે છે.
૪. તૈતરીય આરણ્યક ૮.૨૧ ના વ્યાખ્યાનમાં સાયણચાર્યે પણ આમ જ કહ્યું છે.
૫ ઘણાં પ્રાચીન માનવામાં આવતા એવા શતપથ બ્રાહ્મણ ૧૩.૪૩.૧૩ માં પુરાણોને અશ્વમેઘ યજ્ઞના નવમાં દિવસે સાંભળવાનો આદેશ છે. હવે જો પુરાણોનો અર્થ નવા બ્રહ્મવૈવર્ત વગેરે પુરાણોથી હોય તો પછી રામ અને શ્રી કૃષ્ણ અશ્વમેઘ યજ્ઞના નવમાં દિવસે કયા પુરાણો સાંભળ્યાં હતા? વેદ વ્યાસના જન્મના ઘણાં વર્ષો પહેલાં બ્રાહ્મણ ગ્રંથો લખવામાં આવ્યાં હતા. આ નવા પુરાણો ખોટી રીતે વેદ વ્યાસ પર થોપવામાં આવ્યાં છે. જો આપણે બ્રહ્મવૈવર્ત વગેરે પુરાણોનો ઊંડાણમાં અભ્યાસ કરીશું તો ખ્યાલ આવી જશે કે યોગ દર્શન પર ભાષ્ય લખનાર યોગી આ પુરાણોની રચના ન કરી શકે.
સંદેહ: વેદોમાં પણ ઇતિહાસ છે. યજુર્વેદ ૩.૬૩ મંત્રમાં જમદગ્નિ અને કશ્યપ ઋષિઓના નામ આવે છે. બ્રાહ્મણ ભાગની જેમ ઘણાં વૈદિક મંત્રો પણ ઐતિહાસિક પુરુષો વિષે કહે છે.
૧. એમ ભ્રમ કરવાનું કોઈ કારણ નથી. જમદગ્નિ અને કશ્યપ જેવા નામો કોઈ દેહધારી મનુષ્યોના નામ નથી. નેત્રથી મનુષ્ય જુવે છે અને પછી જાણે છે માટે આંખને જમદગ્નિ કહે છે અને પ્રાણને કશ્યપ કહે છે. (શતપથ)
૨. આવી રીતે વેદોમાં આવેલા બધાં જ નામ ગુણવાચક છે. પાછળથી લોકોએ આ ગુણવાચક શબ્દોને પોતાના નામ તરીકે લીધા. જેમ કે મહાભારતમાં આવેલ “લાલ” અને “કૃષ્ણ” – “અડવાણી” ન હોય શકે અને શંકરાચાર્ય દ્વારા વર્ણિત “માયા” શબ્દ આજની “માયાવતીને” સંબોધતો નથી. વેદમાંના શબ્દોની સાથે પણ આમ જ છે.
સંદેહ: વેદોની શાખાઓ વિષે શું? વેદોની ૧૧૩૧ શાખાઓ છે તેમ માનવામાં આવે છે. જેમાંની ઘણી લુપ્ત થઇ ગઈ છે. તો પછી એમ કેવી રીતે માની લેવામાં આવે કે વેદ આદિકાળથી તેના મૂળ સ્વરૂપમાં યથાવત છે?
૧. વેદોની શાખાઓ સ્વયં વેદ સંહિતાઓ નથી. વેદોને યોગ્ય રીતે સમજવા અને તેનું અધ્યયન અને વ્યાખ્યા કરવા માટે વેદોની શાખાઓ બનાવવામાં આવી. સમય સમય પર પ્રચલિત પ્રણાલીઓ અનુસાર વેદ મંત્રોનો સરળ અર્થ કરવા માટે વેદોની આ શાખાઓ મૂળ વેદ મંત્રોમાં પરિવર્તન કરતી રહે છે. આવી જ રીતે કોઈ ખાસ યજ્ઞ માટે અથવા તો અન્ય કારણવશ વેદોની આ શાખાઓ મૂળ વેદ મંત્રોના ક્રમને આગળ પાછળ કરતી રહે છે. કેટલીક શાખાઓ વેદ મંત્રો અને બ્રાહ્મણ ગ્રંથોનું મિશ્રણ છે.
૨. મૂળ વેદ મંત્ર સંહિતાઓ – ઋગ, યજુ, સામ અને અથર્વ – અપૌરુષય છે. એટલે કે ઈશ્વર્કૃત છે. વેદોની શાખાઓ અને બ્રાહ્મણ ગ્રંથો મનુષ્યકૃત છે. આથી આ ગ્રંથોને ત્યાં સુધી જ પ્રમાણિક માનવા કે જ્યાં સુધી તેઓ વેદો સાથે એકમત થાય છે.
૩. મૂળ ચાર વેદ સંહિતાઓ જ પરંપરાગત તેના મૂળ સ્વરૂપમાં સચવાયેલી છે અને વિદ્વાનોએ પણ આના પર જ પોતાના ભાષ્યોની રચના કરી છે.
સંદેહ: ઉપનિષદ, ઉપવેદ, ગીતા જેવા ગ્રંથો વિષે શું? શું તે ઈશ્વર્કૃત નથી?
આપણે આ ગ્રંથોને આપણાં ઋષિઓની એક મહાન ઉપલબ્ધી ગણી શકીએ. પણ આ ગ્રંથો વેદોની બરોબરી ન કરી શકે. કારણ કે વેદ ઈશ્વર્કૃત છે જયારે આ ગ્રંથો મનુષ્યકૃત!
જો આ ગ્રંથો પણ વેદની જેમ ઈશ્વર્કૃત હોય તો આ ગ્રંથોનું પણ સંરક્ષણ વેદોની જેમ થયું હોત. આ ગ્રંથોમાં પણ ચાર સંહિતાની જેમ કોઈ પરિવર્તન કે બદલાવ ન આવ્યો હોત. પણ આ મનુષ્યકૃત ગ્રંથોમાં આવી એક પણ વિશેષતા જોવા મળતી નથી.
આથી આ મનુષ્યકૃત ગ્રંથોમાંના વેદાનુકુલ ભાગનો જ સ્વીકાર કરવો જોઈએ અને બાકીના વેદ વિરુદ્ધ ભાગને પ્રમાણિક ન માની તેનો અસ્વીકાર કરવો જોઈએ. કારણ કે વેદ ઈશ્વરકૃત હોવાથી તે અંતિમ પ્રમાણ છે. અને ઈશ્વરથી મહાન કોઈ નથી.
ઉપનિષદ, ઉપવેદ, ગીતાઉપરાંતવિશ્વના બીજા ગ્રંથો માટે પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે. આપણી સંસ્કૃતિના ભાગ માનવામાં આવતા અન્ય ગ્રંથો પણ એમ જ કહે છે કે વેદો જ સર્વોત્તમ સત્ય અને અંતિમ માપદંડ છે.
સંદેહ: પણ વેદોમાંતો માત્ર વિવિધ કર્મકાંડ, સંસ્કાર વિધિઓ અને ઈશ્વર ઉપાસના પદ્ધતિઓની જ વાત છે. તો શું આપણે તત્વજ્ઞાન અને બીજા વ્યવહારિક જ્ઞાન માટે અન્ય ગ્રંથોની જરૂર નથી?
૧. જે લોકોએ વેદોનું અધ્યયન કદી કર્યું નથી તેમના દ્વારા ફેલાવવામાં આવેલી આ ખોટી માન્યતા છે.
૨. આપણી સંસ્કૃતિના બધાં જ ગ્રંથકારો પોતાની રચનાઓને વેદ આધારિત જ બતાવે છે. તેઓ વેદોને જ સર્વ સત્ય વિદ્યાઓનો સ્ત્રોત માને છે.
૩. ઉપનિષદ અને ગીતા જેવા અન્ય દાર્શનિક ગ્રંથોનો સ્ત્રોત પણ વેદ જ છે. આ બધાં ગ્રંથો વેદ અને સત્ય વિદ્યાઓને સમજવા માટે ઉપયોગી છે, પણ આ મનુષ્યકૃત ગ્રંથોમાં એવું કશું જ નવીન નથી કે જે વેદોમાં પહેલેથી સમાવિષ્ટ ન હોય. અગાઉ જણાવ્યાં પ્રમાણે વેદ એ અંતિમ પ્રમાણ અને માપદંડ છે. મનુષ્યકૃત ગ્રંથો તો વેદ સુધી પહોચવાની સીડી માત્ર જ છે. પણ આપણે એ વાતથી સાવધાન રહેવું જોઈએ કે આમાંની કોઈ સીડી આપણને વેદોથી દુર તો નથી લઇ જતી ને!
૪. વેદોમાં એક અને માત્ર એક જ સર્વવ્યાપક ઇશ્વરની ઉપાસનાનું વચન છે. વેદોમાં ભાગ્યે જ કોઈ કર્મકાંડની વાત છે, કારણ કે વેદોમાં માત્ર શાશ્વત જ્ઞાન સમાવિષ્ટ છે. એ દુઃખની વાત છે કે પથભ્રષ્ટ લોકોએ પોતાના સ્વાર્થની પુરતી માટે વેદોના વિષયોને લઈને ખોટી માન્યતાઓ ફેલાવી છે.
વેદ અને અન્ય ગ્રંથમાં જ્યાં પરસ્પર વિરોધ આવે ત્યાં વેદ જ પ્રમાણ માનવા. કારણ કે ચારેય વેદ વિદ્યાધર્મ યુક્ત, ઈશ્વરપ્રણિત, જ્ઞાનપૂર્ણ અને સ્વત: પ્રમાણ છે. તેના પ્રમાણ હોવામાં અન્ય કોઈ ગ્રંથોની અપેક્ષા નથી. જેમ સૂર્ય કે દીપક પોતાના સ્વરૂપમાં પોતે પ્રકાશક હોય છે અને પૃથ્વી વગેરેના પ્રકાશક હોય છે, તેમ ચાર વેદ છે.
આ બધાં પૂર્વગ્રહોથી ઉપર ઉઠી, વેદ જ્ઞાની બની, વેદ વિદ્યા રૂપી સત્યનો પ્રચાર કરવો એ આપણું પરમ કર્તવ્ય છે.